ટેક હોમ રેશન (THR) ની તમામ ૨૭ વાનગીઓ બનાવવાની સંપૂર્ણ રીત | THR Recipes Complete Guide | DigiMitra AI

આજના બ્લોગમાં આપણે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવતા ટેક હોમ રેશન (THR) અને તેમાંથી બનાવી શકાય તેવી ૨૭ પૌષ્ટિક વાનગીઓ વિશે વિગતવાર જાણીશું. આ લેખ આંગણવાડી કાર્યકર બહેનો, માતાઓ અને કિશોરીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.


🎥 વધુ માહિતી માટે અમારો વિડીયો જુઓ:

જો તમે આખી પ્રક્રિયા વિગતે સમજવા માંગતા હોવ, તો નીચે આપેલ મારો YouTube વિડીયો ચોક્કસ જુઓ:

👉અહીં તમારી YouTube વિડીયોની લિંક 

સહી પોષણ - દેશ રોશન: THR યોજનાનો ઉદ્દેશ્ય

ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે 'બાલશક્તિ', 'માતૃશક્તિ' અને 'પૂર્ણાશક્તિ' જેવા પૌષ્ટિક મિશ્રણો પૂરા પાડવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ આહાર મળે તે સુનિશ્ચિત કરવાનો છે.


૧. બાલશક્તિ: બાળકો માટે પોષણનો ખજાનો (૬ માસ થી ૬ વર્ષ)

નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાલશક્તિ એક ઉત્તમ આહાર છે. સામાન્ય રીતે બાળકોને દૈનિક ૧૨૫ ગ્રામના વપરાશથી પૂરતી કેલેરી અને પ્રોટીન મળી રહે છે.

મુખ્ય વાનગીઓ:

  • શક્તિ વર્ધક શીરો: ઘી, ગોળ અને દૂધ સાથે બનાવવામાં આવતી આ વાનગી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે.

  • પૌષ્ટિક રાબ: બાળકના સ્વાસ્થ્ય અને તેજમાં વૃદ્ધિ કરતી આ પરંપરાગત વાનગી છે.

  • મનપસંદ કેક: બાલશક્તિ પાઉડર, દૂધ અને ટુટીફુટીમાંથી બનેલી આ કેક બાળકોને ખૂબ જ ભાવે છે.

  • અન્ય વાનગીઓ: સાત ધાનના લાડુ, વેજટિક્કી, ડંગેલા, ગુલાબ જાંબુ, મૂઠીયાં, થેપલા, અને દહીંવડા જેવી અનેક વાનગીઓ બનાવી શકાય છે.

૨. પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ: કિશોરીઓ અને માતાઓ માટે

કિશોરીઓના સશક્તિકરણ અને સગર્ભા કે ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય માટે પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ પેકેટ અત્યંત ઉપયોગી છે.

લોકપ્રિય વાનગીઓ:

  • પૌષ્ટિક પાતરા: અળવીના પાન અને પૂર્ણાશક્તિ/માતૃશક્તિ પાઉડરના મિશ્રણમાંથી બનેલી આ વાનગી લોહતત્વથી ભરપૂર છે.

  • ખજૂર શિંગના લાડુ: આયર્ન અને ઉર્જાનો કુદરતી સ્ત્રોત, જે ખાસ કરીને માતાઓ માટે ગુણકારી છે.

  • નવીનતા સભર વાનગીઓ: ચકરી, ફરસીપૂરી, રવાના ઢોકળા/ઈડલી, બટેકાવડા, વેઢમી (પુરણપોળી) અને પૌષ્ટિક ઘૂઘરા.

ટેક હોમ રેશન - પોષણનું ગણિત અને સૂચનાઓ


બાલશક્તિ વાનગીઓની યાદી

  • વાનગીઓની યાદી:

૧. શક્તિ વર્ધક શીરો

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૦ મિનિટ

  • બાલશક્તિ - ૧૨૫ ગ્રામ (૧ વાટકી)

  • ઘી / તેલ - ૨ મોટી ચમચી

  • ગોળ - ૧૦ ગ્રામ

  • પાણી અથવા દૂધ - ૨ વાટકી (૨૦૦ મિલી)

  • સજાવટ માટેની સામગ્રી : શિંગદાણા

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બાલ શક્તિ પાવડરને એક ક્ડાઈમાં બે ચમચી ઘી કે તેલ નાખીને સગડી પર મૂકીને શેકો.

  • ત્યારબાદ એક વાટકીમાં પાણી લઇ ૧૦ ગ્રામ ગોળને પાણીમાં ઓગાળીને ગોળનું પાણી તૈયાર કરો.

  • શેકેલા બાલ શક્તિ પાવડરમાં ગોળનું પાણી ઉમેરી તેને હલાવતા રહો.

  • બાલશક્તિ પાવડરને હલાવતી વખતે ગેસને મધ્યમ આંચ પર રાખો.

  • પાણી બળી જાય અને ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી ગેસ પર મધ્યમ આંચે હલાવતા રહો.

  • ઘી છુટ્ટુ પડે એટલે ગેસને બંધ કરો.

  • શીરાને વાટકીમાં કાઢીને તેની પર શિંગદાણાનો પાવડર ભભરાવી બાળકને ખવડાવો.

 ૨. રૂઆબ વધારતી રાબ

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૦ મિનિટ

  • બાલશકિત – ૧ વાટકી

  • ગોળ - ૧૦ ગ્રામ

  • પાણી અથવા દૂધ - ૧.૫ વાટકી (૨૦૦મિલી)

  • સજાવટ માટેની સામગ્રી – શેકેલા શિંગદાણા

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બાલ શક્તિ પાવડરને ગરમ ક્ડાઈમાં નાખીને સગડી પર ધીમા તાપે શેકો.

  • ત્યારબાદ એક વાટકીમાં પાણી લઇ ૧૦ ગ્રામ ગોળને પાણીમાં ઓગાળીને ગોળનું પાણી તૈયાર કરો.

  • બીજા ગેસ પર ગોળના પાણીને ઉકાળો.

  • ઉકાળેલા ગોળના પાણીને ધીમે ધીમે બાલ શક્તિ પાવડરવાળી કડાઇમાં નાખીને હલાવતા રહો.

  • પાણી નાખીને હલાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠા ન પડે.

  • સંપૂર્ણ મિશ્રણને ૨ મિનિટ સુધી ઉકાળો. તૈયાર છે બાળકનો રૂઆબ વધારતી રાબ.

  • રાબને વાટકીમાં કાઢીને તેની ઉપર તલ કે શિંગદાણાનો પાવડર ભભરાવી બાળકને ખવડાવો.

  • પાણીની જગ્યાએ દૂધ પણ વાપરી શકાય. શિયાળામાં તેમાં ચપટી સૂંઠ કે આદૂ પાવડર સ્વાદ અનુસાર ઉમેરી શકાય.

૩. મજબૂત રાખતો મગસ

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૫ મિનિટ

  • બાલશકિત - ૨ વાટકી

  • ચણાનો કકરો લોટ - અડધી વાટકી

  • ઘી/તેલ – ૫૦ ગ્રામ

  • દળેલી ખાંડ - ૫૦ ગ્રામ (સ્વાદ અનુસાર)

  • એલચી, જાયફળ પાવડર - અડધી ચમચી

  • સજાવટ માટેની સામગ્રી - શિંગદાણા

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક તપેલીમાં બે વાટકી બાલશક્તિ પાવડર અને અડધી વાટકી ચણાના લોટનું મિશ્રણ બનાવો.

  • ત્યારબાદ કડાઇને ગેસ પર મધ્યમ આંચ ઉપર મુકો.

  • હવે તેમાં ૫૦ ગ્રામ ઘી / તેલ ઉમેરો.

  • ઘી / તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં તપેલીમાં રહેલ મિશ્રણને કડાઈમાં નાખીને મિશ્રણ આછુ ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકો.

  • હવે તેમાં દળેલી ખાંડ, એલચી અને જાયફળ પાવડર ઉમેરી ઘી/તેલ છુટું પડે ત્યાં સુધી ધીમા તાપ પર શેકો.

  • ત્યારબાદ એક નાની ઉભા કાના વાળી થાળીમાં તેના ચકતા કરવા માટે પાથરી દો.

  • સજાવટ માટે તેની ઉપર શેકેલા શિંગદાણા કે તેનો પાવડર ભભરાવો, તૈયાર છે મજબૂત રાખતો મગસ.

  • મિશ્રણ ઠરી જાય પછી તેના નાના ભાગ પાડીને હવાચુસ્ત ડબ્બામાં ભરી દો. બાળકને ભૂખ લાગે ત્યારે તેને મગસ ખવડાવો.

૪. મનપસંદ કેક

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૫ થી ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૪૦ મિનિટ

  • બાલશક્તિ - ૩૦૦ ગ્રામ

  • દુધ - ૩૦૦ એમ.એલ.

  • દળેલુ મીઠુ - ૧૫૦ ગ્રામ (કુકરનાં તળિયે પાથરવા)

  • સજાવટ માટેની સામગ્રી - ૨૫ ગ્રામ કલરફુલ ટુટીફુટી

  • દળેલી ખાંડ - ૫૦ ગ્રામ

  • ઈનો (સોડા) – ૧ ચમચી.

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ૩૦૦ ગ્રામ બાલશક્તિ પાઉડરને તપેલીમાં લો.

  • ત્યાબાદ તેમા દળેલી ખાંડ ૫૦ ગ્રામ ઉમેરો અને તેને બરોબર મીક્ષ કરો, હવે તેમા દુધ ઉમેરતા જાવ અને ખીરુ બને તે રીતે મીક્ષ કરો.

  • ખીરુ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાં ગઠ્ઠા ન પડે.

  • તૈયાર ખીરાને ચમચી વડે ૫ મિનિટ સુધી હલાવતા રહો.

  • હવે તેમા એક ચમચી ઈનો (સોડા) ઉમેરી, આ મિશ્રણને એક જ દિશામાં (ઘડિયાળનાં કાંટાની દિશામાં) બરાબર મીક્ષ કરો.

  • એક એલ્યુમિનીયમના ગોળ વાસણમાં ફરતે ઘી લગાવીને તેમાં તૈયાર મિશ્રણને ઉંચેથી રેડો, હવે પ્રેશરકુકરનુ તળીયુ ઢંકાય તેટલુ મીઠુ કુકરમાં પાથરો અને તેની ઉપર કાઠલો મુકવો.

  • ત્યારબાદ કુકર સીટી વગર બંધ કરો અને ૫ મિનિટ ગરમ થવા માટે ગેસ પર વધુ આંચે મૂકો, હવે કુકરના ઢાંકણને ખોલી ખીરૂ ભરેલા વાસણને કાંઠલા ઉપર અંદર મુકો અને ઢાંકણ બંધ કરો.

  • પહેલી ૧૦ મિનિટ વધુ આંચ પર રાખવુ, ત્યારબાદ ૫ મિનિટ મધ્યમ આંચ, પછી ૧૦ મિનિટ ધીમી આંચ પર રાખો.

  • ત્યારબાદ કુકરનુ ઢાંકણ ખોલી છરીને કેકનાં વાસણમાં નાખીને જોવુ, જો છરી ચોખ્ખી બહાર આવે તો કેક તૈયાર છે.

  • જો છરી પર લોટ ચોટેલો હોય તો વધુ ૫ મિનિટ ધીમી આંચ પર રહેવા દો.

  • ત્યારબાદ વાસણને કુકરમાંથી બહાર કાઢીને રૂમના તાપમાન પર ૧૦ મિનિટ ઠરવા દેવુ.

  • ત્યારબાદ એક થાળીમાં એલ્યુમિનીયમના વાસણને ઉંધુ પાડવુ અને હલકા હાથે થપથપાવવુ જેથી કેક બહાર આવી જશે.

  • તેના પર ટુટીફ્રુટી નાખી સજાવવુ. તૈયાર છે આપણી મનપસંદ કેક.

  • બજારમાં મળતી કેક કરતા બાળક માટે ઘરે બનાવેલી તાજી અને પૌષ્ટિક કેક વધુ સારી છે.

૫. દાળ ઢોકળી

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૫ મિનિટ

  • બાલશક્તિ - ૧ વાટકી

  • તેલ - ૫૦ ગ્રામ

  • રાઈ - અડધી ચમચી

  • ટામેટા - એક નંગ

  • સિંગદાળા - ૫ ગ્રામ

  • ઘઉંનો લોટ - ૧ વાટકી

  • તુવેરદાળ - ૫૦ ગ્રામ

  • તલ – ૧ ચમચી

  • ગોળ - ૫ ગ્રામ

  • હળદર - ૧ ચમચી

  • મરચાની ભુકી - ૧ ચમચી

  • જીરૂ - અડધી ચમચી

  • આદુ, લસણ – મરચાની પેસ્ટ – ૧ ચમચી

  • (સરગવાના પાન, મીઠો લીમડો, કોથમીર) - પ્રમાણસર

  • મીઠું - સ્વાદનુસાર

  • સજાવટ માટેની સામગ્રી - લીલાધાણા (કોથમીર)

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ કુકરમાં પ્રમાણસર પાણી, હળદર, હિંગ અને શિંગદાણા નાખીને દાળને ગેસ પર મધ્યમ આંચે બાફવા માટે મુકો.

  • ત્રણ સીટી વાગે ત્યારબાદ ગેસને બંધ કરો અને તેને ઠંડુ થવા દો.

  • હવે એક થાળીમાં બાલશક્તિ અને ઘઉંનો લોટ લઈ તેમાં અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ અને એક ચમચી તેલ નાખીને રોટલી જેવો લોટ બાંધી લો.

  • હવે બાફેલી દાળને બહાર કાઢીને તેને વલોવી તેમાં પ્રમાણસર પાણી નાખો.

  • એક કઢાઈમાં વધાર માટે તેલ ગરમ કરી તેમાં રાઇ, હિંગ અને મીઠો લીમડો નાખી તતડાવો.

  • ત્યારબાદ તેને ધીમે આંચે રાખીને તેમાં ટામેટાના ઝીણા ટુકડા અને આદુ, લસણ - મરચાની પેસ્ટ નાખીને ૨ મિનિટ સુધી સાંતળો.

  • તૈયાર કરેલ વધારની સાથે લાલ મરચુ નાખીને તરત જ બાફેલી દાળ નાખી દો. પ મિનિટ સુધી દાળને ઉકળવા દો.

  • દાળ ઉકળે ત્યાં સુધી લોટના લૂઆ કરી તેને રોટલીની જેમ વણી અને તેના કાપા પાડીને તેને ઉકળતી દાળમાં નાખો.

  • હવે તેમાં ગોળ નાખીને કુકરનું ઢાંકણ બંધ કરીને તેને ૫ મિનિટ સુધી ઉકાળો. તૈયાર છે આપણી ગુજરાતી દાળ ઢોકળી.

  • સજાવટ માટે ઉપરથી લીલા ધાણા નાખીને બાળકને ખવડાવો. બાળકને ખવડાવતી વખતે તેની વાટકીમાં એક ચમચી તેલ/ ઘી ઉમેરો.

  • દાળ ઢોકળીમાં બાફેલી આખી તુવેર નાખીને ખવડાવશો તે પણ બાળકને પસંદ આવશે.

૬. વેજટિક્કી

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૫ મિનિટ

  • બાલશકિતનો પાવડર - અડધી વાટકી

  • બાફેલા બટાકા – ૧ નંગ

  • ગાજર - ૨૦ ગ્રામ

  • (સરગવાના પાન, કોથમીર) પ્રમાણસર

  • હળદર - અડધી ચમચી

  • તલ – ૧ ચમચી

  • મીઠું – પ્રમાણસર

  • ઘઉંનો લોટ - ૧/૨ વાટકી

  • વટાણા – ૧૦ ગ્રામ

  • લીલા મરચાં - ૧નંગ

  • લીબુંનો રસ - ૧ ચમચી

  • ખાંડ - સ્વાદ અનુસાર

  • તેલ - ૨૦ ગ્રામ

  • સજાવટ માટેની સામગ્રી – લીલાધાણા અને કોપરાનું છીણ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તમામ શાકભાજીને બાફવા.

  • ત્યારબાદ એક બાઉલમાં બાલશક્તિ પાઉડર, ઘઉંનો લોટ, મસળેલા શાકભાજી અને બધા મસાલા નાખીને મિક્સ કરવું.

  • આ મિશ્રણને મનગમતો આકાર આપી ટીક્કી બનાવવી.

  • ત્યાર બાદ કઢાઈમાં તેલ ગરમ કરી માધ્યમ તાપે ટિક્કીને તળવી.

  • ટિક્કીને તવી ઉપર ઓછા તેલમાં શેકીને પણ બનાવી શકાય.

  • સજાવટ માટે ઉપરથી કોપરાનું છીણ અને કોથમીર નાખીને બાળકને ખવડાવો.

૭. ડંગેલા

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • બાલશકિતનો પાવડર - ૨ વાટકી

  • ચોખા - અડધી વાટકી

  • મિક્ષદાળ - એક વાટકી (તુવેરદાળ,મગદાળ,ચણાદાળ)

  • લીલાંશાકભાજી - ૨૫૦ ગ્રામ (વટાણા, ગાજર, દૂધી, લીલીતુવેર)

  • હળદર - અડધી ચમચી

  • રાઈ - અડધી ચમચી

  • તલ - ૧ ચમચી

  • આદુ, લસણ મરચાની પેસ્ટ - ૧ચમચી

  • જીરૂ - અડધી ચમચી

  • તેલ - ૧૦૦ ગ્રામ

  • મીઠું - પ્રમાણસર

  • સજાવટ માટેની સામગ્રી - કોથમીર અને કોપરાની છીણ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ચોખા અને દાળને ૬-૭ કલાક માટે પલાળી રાખો.

  • ત્યાર બાદ તેને મિક્ષરમાં અધકચરું ખીરું તૈયાર કરી તેમાં બાલશક્તિ પાઉડર નાખીને મિક્ષ કરવું.

  • ગાજર, દુધીને છીણી લેવી, વટાણા અને તુવેરના દાણાને બાફી લેવા.

  • ત્યારબાદ બધાજ શાકભાજીને મિશ્રણમાં ઉમેરવા. તેમજ તેમાં જરૂરી મસાલા નાખીને બરાબર હલાવી મિક્ષ કરવું.

  • એક કઢાઈને ગેસ પર ગરમ કરી તેમાં એક ચમચી તેલ નાખી રાઈ,જીરું અને તલ નાખી વઘાર થવા દો.

  • તેમાં મિશ્રણમાથી એક ચમચો નાખી કઢાઈ ઢાંકી ધીમા તાપે ચઢવા દો.

  • એક બાજુ બરાબર ચઢી જાય પછી ઉલટાવી બીજી બાજુ ધીમા તાપે ચઢવા દો.

  • બંને બાજુ બરાબર ચઢી ગયા બાદ કોથમીર અને કોપરાની છીણથી સજાવટ કરી બાળકોને ખવડાવો.

૮. શિંગ-તલના લાડુ

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • બાળશક્તિ - ૧૦૦ ગ્રામ

  • તલ - ૫૦ ગ્રામ

  • શિંગદાણા - ૧૦૦ ગ્રામ

  • ગોળ - ૧૦૦ ગ્રામ

  • તેલ - ૧૦ ગ્રામ

  • સજાવટ માટેની સામગ્રી - કોપરાની છીણ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ શિંગદાણાને શેકીને તેના ફોતરા કાઢી લેવા.

  • ત્યાર બાદ તેને અધકચરા વાટી લેવા. તલને તવી પર શેકી લેવા.

  • એક કઢાઈમાં તેલ મૂકી ગોળનો પાયો કરવો. (ગોળનો પાયો કરતી વખતે ધ્યાન રાખવું કે ગોળ ઓગળે તરતજ ગેસ બંધ કરવો).

  • ત્યાર બાદ તેમાં શિંગદાણાનો ભૂકો, શેકેલા તલ અને બાલશક્તિ પાઉડર આપેલ પ્રમાણ મુજબ મિક્સ કરવા.

  • ત્યાર બાદ ગરમ મિશ્રણમાંથી તરતજ નાના નાના લાડુ વાળી લેવા.

  • સજાવટ માટે લાડુને કોપરાની છીણમાં રગદોળવા.

  • તૈયાર લાડુ બાળકોને ખવડાવવા.

૯. ગુલાબ જાંબુ

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • બાલશક્તિ - ૧વાટકી

  • દૂધ - પા વાટકી

  • પાણી - પા વાટકી

  • ઘી/તેલ - તળવા માટે

  • ચાસણી માટે ખાંડ - ૧વાટકી

  • ચાસણી માટે પાણી - ખાંડ ડૂબે એટલું પાણી

વાનગી બનાવવાની રીત:

  • એક વાટકી બાલશક્તિમાં હુફાળા દૂધ પાણીનું મિશ્રણમાંથી રોટલીના લોટ જેવો લોટ બાંધવો.

  • લોટ બાંધ્યા પછી બાજુમાં રાખો.

  • ત્યારબાદ ચાસણી બનાવવા માટે તપેલીમાં એક વાટકી ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખવું અને હલકી આંચ પર તપેલી ચડાવવી અને સતત હલાવતા રહેવું અને એક તારની ચાસણી બનાવવી.

  • ચાસણી તૈયાર થયા બાદ બાલશક્તિના લોટમાંથી નાના નાના ગુલ્લા બનાવી ઘી / તેલમાં ગુલાબી થાય ત્યાર સુધી તળવા અને તરત ચાસણીમાં નાખી દેવા.

૧૦. મૂઠીયાં

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • બાલશકિત – ૧ વાટકી

  • હળદર - અડધી ચમચી

  • પાલકભાજી / મેથીનીભાજી | દૂધી / સરગવાના પાન - ૫૦ગ્રામ

  • આદુ, લસણ, મરચાની પેસ્ટ - ૧ ચમચી

  • તેલ - ૨૦ ગ્રામ

  • અજમો – પ્રમાણસાર

  • મીઠું - સ્વાદ અનુસાર

  • ઘઉંનો લોટ - ૧/૨ વાટકી

  • મરચુ પાવડર – અડધી ચમચી

  • તલ – ૧ ચમચી

  • રાઈ - એક ચમચી

  • મીઠો લીમડો – પ્રમાણસર

  • સજાવટ માટેની સામગ્રી - લીલાધાણા, તલ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ભાજી વાપરવી હોય તેને બે પાણીએ (સમાર્યા વિના) ધોઈ લેવી.

  • સરગવાના પાનને પણ ધોઈ લેવા.

  • એક બાઉલમાં ભાજી અને સરગવાના પાનને ઝીણા સમારી લેવા.

  • તેમાં બધા મસાલા નાખીને મિક્સ કરવું.

  • ત્યાર બાદ તેમાં બાલશક્તિ પાઉડર અને ઘઉંનો લોટ ઉમેરી મિક્સ કરી મુઠીયા વાળવા.

  • સાથે એક તપેલામાં કાંઠલો ડુબે તેટલું પાણી લઇ ગરમ કરવા મૂકવું.

  • કાંઠલા પર કાણા વાળું ઢાકણ મૂકી તેના પર વાળેલા મુઠીયા મૂકી ૧૦ મિનિટ બાફાવા મુકવા.

  • બફાઈ ગયેલા મુઠીયાના નાના નાના ટુકડા કરવા.

  • એક તપેલી કે કઢાઈમાં વઘાર માટે તેલ મૂકી, તેલ આવી જાય પછી તેમાં રાઈ, તલ અને મીઠો લીમડો નાખી તતડી જાય પછી તેમાં ટુકડા કરેલ મુઠીયા નાખી મિક્સ કરી ગેસ પરથી ઉતારીને કોથમીર ધોઈને નાખી સજાવટ કરી બાળકોને ખવડાવવા.

૧૧. થેપલા 

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૫ મિનિટ

  • બાલશક્તિ - ૧ વાટકી

  • ઘઉંનો કરકરો લોટ - અડધી વાટકી

  • પાલકભાજી / મેથીની ભાજી / દૂધી / સરગવાના પાન - ૫૦ ગ્રામ

  • દહીં-પા વાડકી

  • તલ - ૫ ગ્રામ

  • આદુ, લસણ, મરચાંની પેસ્ટ – ૧ ચમચી

  • હળદર - ૨ ચમચી

  • તેલ - ૨૦ ગ્રામ

  • મરચાનો પાવડર – અડધી ચમચી

  • મીઠું – પ્રમાણસર

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ જે ભાજી વાપરવી હોય તેને બે પાણીએ (સમાર્યા વિના) ધોઈ લેવી.

  • સરગવાના પાનને પણ ધોઈ લેવા.

  • એક બાઉલમાં ભાજી અને સરગવાના પાનને ઝીણા સમારી લેવા.

  • તેમાં બધા મસાલા નાખીને દહીં નાખી મિક્સ કરવું.

  • ત્યારબાદ તેમાં બાલશક્તિ પાઉડર અને ઘઉંનો લોટ ઉમેરી કણક બાંધવી.

  • તેના નાના લુવા કરી થેપલા વણવા.

  • ગેસ ચાલુ કરી તવી પર તેલ મુકીને થેપલા શેકી લેવા.

  • તૈયાર થેપલા બાળકોને ખવડાવવા.

૧૨. મિક્ષ શાકભાજીના પરાઠા

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • બાલશિકત - એક વાટકી

  • ઘઉંનો લોટ - અડધી વાટકી

  • શાકભાજી - ૫૦ ગ્રામ (વટાણા, ગાજર, બટાકા,)

  • આદુ, લસણ મરચાની પેસ્ટ - ૧ ચમચી

  • મરચાની ભુકી - અડધી ચમચી

  • તલ, શિંગદાણાનો ભૂકો - ૧૦ ગ્રામ

  • મીઠું – પ્રમાણસર

  • હળદર - અડધી ચમચી

  • ગરમ મસાલો - અડધી ચમચી

  • લીબું - ૧નંગ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બધા શાકભાજીને બાફી લઈ તેને મસળી લેવા.

  • ત્યાર બાદ બાફેલા શાકભાજીમાં આપેલ સામગ્રી અને પ્રમાણ અનુસાર બધા મસાલા નાખીને મિક્સ કરવું.

  • પછી તેમાં બાલશક્તિ પાઉડર અને ઘઉંનો લોટ ઉમેરીને કણક બાંધવી.

  • તેમાંથી લુવા કરી પરાઠા વણી લેવા.

  • ગેસ પર તવી મૂકી પરાઠાને થોડું તેલ લગાવી શેકી લેવા.

  • તૈયાર પરાઠા બાળકોને ખવડાવવા.

૧૩. સુખડી

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૦ મિનિટ

  • બાલશક્તિ - ૧ વાટકી

  • ગોળ - ૧૦ ગ્રામ

  • તેલ - ૧૦ ગ્રામ

  • શિંગદાણા / તલનો ભૂકો - અડધી વાટકી

  • સજાવટ માટેની સામગ્રી - તલ / શિંગદાણા પાવડર

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ લઈ તેમાં ગોળને સમારીને નાખવો.

  • ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગોળમાં બાલશક્તિ પાઉડર નાખીને બરાબર મિક્સ કરી એક થાળીમાં પાથરી તેની ઉપર શિંગનો ભૂકો અને તલ નાખીને સજાવવું.

  • તેને ચપ્પુથી ચોરસ ટુકડા કરવા.

  • (સુખડી બનાવતા પહેલા તવી પર શિંગદાણાને શેકીને ફોતરા કાઢીને ભૂકો કરીને તૈયાર રાખવું.)

  • થાળીમાં સુખડી ઠરી જાય પછી બાળકોને ખવડાવવી.

૧૪. ગળ્યા પુડલા

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૦ મિનિટ

  • બાલશક્તિ - ૧ વાટકી

  • ઘઉંનો લોટ - અડધી વાટકી

  • ગોળ - ૨૦ ગ્રામ

  • ઉકાળેલું પાણી - ૧/૨ ગ્લાસ

  • તલ – ૧ ચમચી

  • તેલ - ૨૦ ગ્રામ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ આપેલ સામગ્રીમાં પ્રમાણ અનુસાર એક તપેલીમાં પાણી લઇ તેમાં ગોળ નાખીને પાણી ગરમ કરવું.

  • પાણી ઠંડુ થયા પછી તેમાં બાલશક્તિ પાઉડર અને ઘઉંનો લોટ, તલ નાખીને ખીરું તૈયાર કરવું.

  • થોડી વાર પછી ગેસ પર તવી મૂકી તેમાં અડધી ચમચી તેલ લગાવી તેમાં તૈયાર કરેલ ખીરું નાખવું.

  • એક બાજુ બરાબર ચઢી જાય પછી બીજી બાજુ ચઢવવા મૂકી પુડલાની આજુ બાજુ તાવેતાથી તેલ લગાવી ગુલાબી રંગના પુડલા ઉતારવા.

  • તૈયાર ગળ્યા પુડલા બાળકોને ખવડાવો.

૧૫. મસાલા ભાખરી

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૧૦ મિનિટ

  • બાલશક્તિ પાવડર - ૧ વાટકી

  • ઘઉંનો કરકરો લોટ - અડધી વાટકી

  • આદુ, લસણ મરચાંની પેસ્ટ - ૧ ચમચી

  • હળદર - ૧ ચમચી

  • મરચાનો પાવડર - અડધી ચમચી

  • તેલ - ૨૦ ગ્રામ

  • મીઠું – પ્રમાણસર

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક તાસમાં (કથરોટ) બાલશક્તિ પાઉડર, ઘઉંનો કરકરો લોટ લઇ તેમાં તેલનું મોણ નાખી સામગ્રીમાં આપેલ મસાલા નાખીને કઠણ લોટ (કણક) બાંધવો.

  • ગેસ ચાલુ કરી તવી ગરમ કરવા મુકવી.

  • બાંધેલ કણકના લુવા વાળી તેની ભાખરી વણીને તવી પર શેકી લેવી.

  • ત્યાર બાદ બાળકોને ખવડાવવી.

૧૬. દહીંવડા

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • બાલશક્તિ - ૧ વાટકી

  • મગની દાળ - ૨ વાટકી

  • સરગવાના પાન - ૨૦ ગ્રામ

  • મરચાં, આદું લસણની પેસ્ટ - ૧ ચમચી

  • દહીં - ૨૦૦ ગ્રામ

  • તેલ - તળવા માટે

  • મીઠું - સ્વાદ અનુસાર

  • ખાંડ - સ્વાદ અનુસાર

  • સજાવટ માટેની સામગ્રી - કોથમીર

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ મગની દાળને પાણીમાં ધોઈ ૨ કલાક પલાળી રાખવી.

  • ત્યારબાદ અધકચરી વાટી લેવી.

  • તેમાં બાલશક્તિ પાઉડર અને સરગવાના પાન ધોઈ ઝીણા સમારવા સમારેલા પાન, મરચા, આદુ, લસણની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી વડાનું ખીરું તૈયાર કરવું.

  • દહીંને વલોવી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરી તૈયાર કરવું.

  • કઢાઈમાં તેલ ગરમ કરી ખીરામાંથી વડા બનાવી ધીમા તાપે આછા ગુલાબી થાય ત્યાં સુધી તળવા, તળેલા વડાને પાણીમાં નાખી બહાર કાઢી બે હથેળીની વચ્ચે દબાવી તૈયાર કરેલ દહીંમાં નાખી ઉપર કોથમીર નાખી સજાવટ કરવી.

૧૭. શિંગની ચીકકી

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • શિંગદાણા - ૧૦૦ ગ્રામ

  • ગોળ - ૧૦૦ ગ્રામ

  • બાલશક્તિ પાઉડર - ૧ વાટકી

  • તેલ - ૧ ચમચી

  • સજાવટ માટેની સામગ્રી - ટોપરાનુ છીણ ૫૦ ગ્રામ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ શિંગદાણાને તવી પર શેકી લઈ તેના ફોતરા કાઢીને અધકચરા વાટી લેવા અને ગોળને છીણી લેવો.

  • ગેસ ચાલુ કરી એક કઢાઈમાં એક ચમચી તેલ લઇ તેમાં છીણેલો ગોળ નાખીને ગોળ ઓગળી જાય એટલે તરતજ શેકેલા શિંગદાણાનો ભૂકો, બાલશક્તિ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરવો.

  • એક થાળીમાં પથારી ચપ્પાથી ચોરસ ટુકડા કરવા અને તેની ઉપર ટોપરાનું છીણ ભભરાવવું.

  • થોડીવાર પછી ઠરી ગયા બાદ તૈયાર ચીક્કી બાળકોને ખવડાવવી.


પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ વાનગીઓની યાદી

  • વાનગીઓની યાદી:

    • ૧. પાતરા

    • ૨. વડા

    • ૩. ફરસીપૂરી

    • ૪. ચકરી

    • ૫. બટેકાવડા

    • ૬. રવાના ઢોકડા / ઇડલી

    • ૭. તીખા પુડલા

    • ૮. વેઢમી / પુરણપોળી

    • ૯. ખજૂર શિંગના લાડુ

    • ૧૦. ઘૂઘરા

૧. પાતરા

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • અડવીના પાન - ૨૫૦ ગ્રામ

  • ચણાનો લોટ - ૧/૨ વાટકી

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ - ૧ વાટકી

  • ગોળ - ૧૦ ગ્રામ

  • લીબું - ૧ નંગ

  • આદુ, લસણ, મરચાંની પેસ્ટ – ૧ ચમચી

  • તલ/શિંગદાણાનો ભૂકો - અડધી વાટકી

  • તેલ - ૩૦ ગ્રામ

  • રાઈ, જીરુ, તલ - એક-એક ચમચી

  • સજાવટ માટેની સામગ્રી - ટોપરાનું છીણ, તલ, શિંગદાણાનો ભૂકો, કોથમીર

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ અળવીના પાનની પાછળની નસો કાઢી દઈ બે પાણીથી પાનને ધોઈને કોરા કરવા.

  • એક તપેલીમાં માતૃશક્તિ કે પૂર્ણાશક્તિનો પાઉડર અને ચણાનો લોટ લઇ તેમાં ગોળ, લીંબુનું પાણી, આદુ-લસણ-મરચાની પેસ્ટ, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

  • થાળી ઊંધી મુકીને તેની ઉપર અળવીનું એક પાન ઉપર ખીરું ચોપડવું, તેની ઉપર બીજું પાન મુકીને ફરીથી તેના ઉપર ખીરું ચોપડવું.

  • આમ, ત્રણ-ચાર પાનનું એક બીડું વાળીને રોલ વાળવો. આમ, બધાજ અળવીના પાનના રોલ વાળવા.

  • એક તપેલામાં કાઠલો મૂકી, કાઠલો ડુબે તેટલું પાણી મુકીને ગરમ કરવા મૂકવું.

  • કાંઠલા પર કાંણાવાળું ઢાંકણ મૂકીને તેની પર અળવીના પાનના વાળેલા રોલ બાફવા મુકવા.

  • (બફાઈ ગયા છે કે નહિ તે જોવા માટે ચપ્પુ કે ચમચી રોલની વચ્ચે ખોસીને જોઈ લેવું, જો ખીરાનો લોટ ચોટે નહિ તો બફાઈ ગયા સમજવું).

  • આશરે ૧૫થી ૨૦ મિનિટમાં બફાઈ જશે. બફાઈ ગયા બાદ રોલના ગોળ ટુકડા કરવા.

  • એક કઢાઈ કે તપેલીમાં તેલ લઇ તેમાં રાઈ, તલ, અને મીઠો લીમડાનો વઘાર કરીને બાફેલા રોલના ટુકડાને તેમાં નાખીને મિક્સ કરવા.

  • સજાવટ માટે ઉપરથી કોપરાનું છીણ, શિંગદાણાનો ભૂકો, કોથમીર નાખી પીરસવું.

૨. વડા

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ – ૧ વાટકી

  • બાજરીનો લોટ - ૬૦ ગ્રામ

  • મેથીની ભાજી - ૫૦ ગ્રામ

  • સરગવાના પાન - ૧૦ ગ્રામ

  • આદુ, લસણ, મરચાંની પેસ્ટ - ૨ ચમચી

  • તેલ મોહણ માટે - ૨૦ ગ્રામ

  • તેલ તળવા માટે – જરૂર પ્રમાણે

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ મેથીની ભાજી અને સરગવાના પાનને ધોઈને ઝીણાં સમારવા.

  • ત્યાર બાદ એક તાસ (કથરોટ)માં માતૃશક્તિ / પૂર્ણાશક્તિ અને બાજરીનો લોટ લઇ તેમાં ધોઈને સમારેલી ભાજી અને સરગવાના પાન નાખવા, તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ, મીઠું, મોણ માટે તેલ નાખીને કણક બાંધી તેના નાના નાના વડા થેપવા.

  • એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું.

  • તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં વડા ગુલાબી રંગના તળી લેવા.

૩. ફરસીપૂરી 

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ - ૧ વાટકી

  • ઘઉંનો લોટ - ૧/૨ વાટકી

  • વાટેલા મરી, જીરૂ અજમો - ૧ ચમચી

  • તેલ મોઅણ માટે - ૨૦ ગ્રામ

  • તેલ તળવા માટે – જરૂરિયાત પ્રમાણે

  • હળદર અડધી ચમચી

  • મીઠું - સ્વાદ અનુસાર

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક તાસ (કથરોટ)માં માતૃશક્તિ / પૂર્ણાશક્તિનો પાઉડર, ઘઉંનો લોટ લઇ તેમાં મોઅણ માટે તેલ નાખીને હળદર, મીઠું, વાટેલા જીરું, અજમો, મરી પાઉડર નાખીને લોટ બાંધી કણક તૈયાર કરવી.

  • નાના નાના લુવા બનાવી પૂરી બનાવવી.

  • એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં બનાવેલી પૂરીને ગુલાબી રંગની થાય તેવી તળી લેવી.

૪. ચકરી

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ – ૧ વાટકી

  • ઘઉંનો લોટ - ૧/૨ વાટકી

  • જીરું, અજમો – ૧ ચમચી

  • તેલ મોહણ માટે - ૨૦ ગ્રામ

  • તેલ તળવા માટે

  • હળદર - અડધી ચમચી

  • તલ - ૧ ચમચી

  • આદું,મરચાની પેસ્ટ - ૧ ચમચી

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તાસ (કથરોટ)માં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ પાઉડર અને ઘઉંનો લોટ લઇ તેમાં જીરું, અજમો, હળદર, આદુ-મરચાની પેસ્ટ, અને મોઅણ માટે તેલ નાખીને કઠણ કણક બાંધવી.

  • ત્યારબાદ સેવના સંચામાં ચકરીની જાળી ભરાવી તેમાં બાંધેલ કણકમાંથી થોડો લુવો લઇ ભરવો.

  • એક થાળીમાં સંચામાંથી ચકરી પાડવી અને તેને થોડી વાર સુકાવા દેવી.

  • ત્યાર બાદ એક કઢાઈમાં તળવા માટે તેલ લઇ ગરમ કરવું.

  • તેમાં બનાવેલ ચકરીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લેવી.

૫. બટેકાવડા

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૦ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ/પૂર્ણાશક્તિ – ૧ વાટકી

  • ચણાનો લોટ - અડધી વાટકી

  • લીબું - અડધી ચમચી

  • ખાંડ - અડધી ચમચી

  • તેલ - ૨૫૦ ગ્રામ

  • કોથમીર - પ્રમાણસર

  • બાફેલા બટાકા - ૨૦૦ ગ્રામ

  • આદુ, લસણ, મરચાંની પેસ્ટ - ૨ ચમચી

  • હળદર - અડધી ચમચી

  • તલ - એક ચમચી

  • મીઠું – પ્રમાણસર

  • તેલ તળવા માટે

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બટાકાને બાફી લેવા.

  • એક તપેલીમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ પાઉડર ૧ વાટકી અને ચણાનો લોટ ૧/૨ વાટકી લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરવું.

  • બાફેલા બટાકાની છાલ કાઢી લઈ તેને એક વાસણમાં મસળી તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ, હળદર, મીઠું, લીંબુનો રસ, અને ખાંડ સ્વાદ અનુસાર નાખીને તેના ગોળા વાળી લેવા.

  • એક કઢાઈમાં તળવા માટે તેલ લઇ ગરમ કરવું. તેલ ગરમ થઇ ગયા બાદ તૈયાર કરેલ ખીરામાં બટાકાના ગોળા બોળીને તળવા મુકવા.

  • બટેકાવડા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા.

૬. રવાના ઢોકળા / ઇડલી

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • રવો - ૧૦૦ ગ્રામ

  • સરગવાના પાન – ૧/૨ કપ

  • ડુંગળી - ૧/૨ કપ (સમારેલી)

  • મીઠા લીમડાના પાન (વઘાર માટે)

  • મીઠું - સ્વાદઅનુસાર

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ પાઉડર – ૧ વાટકી

  • ટમેટા - ૧/૨ કપ (સમારેલા)

  • રાઈ, તલ, મેથીના દાણા – ૧ ચમચી

  • છાસ - ૪૦૦ એમ.એલ.

  • સજાવટ માટેની સામગ્રી - તલ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક તપેલીમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ પાઉડર ૧ વાટકી અને રવો ૧૦૦ ગ્રામ લઇ તેમાં છાસ, મેથીના દાણા નાખીને ખીરું તૈયાર કરવું.

  • (મેથીના દાણા નાખવાથી આથો સારો આવશે.)

  • આ ખીરાને ૬-૭ કલાક પલાળી રાખી મૂકવું.

  • ત્યાર બાદ ખીરામાંથી ઢોકળા બનાવવા હોય તો તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ ૧ ચમચી, મીઠું સ્વાદ અનુસાર નાખીને બરાબર મિક્સ કરવું.

  • ત્યાર બાદ ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરી ડીસમાં તેલ ચોપડી તેમાં ખીરું પાથરીને બાફવા મૂકવું.

  • આજ ખીરામાંથી ઈડલી બનાવવી હોય ત્યારે ખીરામાં મીઠું નાખીને ઈડલીના સ્ટેન્ડમાં તેલ ચોપડીને ખીરું મુકીને બાફવા મૂકવું.

  • ૧૦-૧૫ મિનિટમાં બફાઈ જશે.

  • બફાઈ ગયાની ખાત્રી થયા બાદ ઢોકળાને વઘારવા.

  • વઘારવા માટે એક કઢાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, મીઠો લીમડો નાખીને ઢોકળા નાખીને મિક્સ કરવા.

  • ઈડલી બનાવી હોય તો તેના ચાર કટકા કરીને એક કઢાઈમાં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, મીઠો લીમડો નાખી તતડી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી, ટામેટાંને સાંતળીને ઈડલીના કટકા નાખી મિક્સ કરવા.

  • નોંધ: જો ઈડલી કે ઢોકળાનું કુકર ના હોય તો તપેલીમાં કાંઠલો મૂકીને તેની પર થાળી/ડીસ મૂકીને બનાવી શકાય.

૭. તીખા પુડલા

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ પાવડર – ૧ વાટકી

  • લીલા પાંદડાવાળા શાકભાજી - ૫૦ ગ્રામ (મેથીની ભાજી, પાલકનીભાજી, સરગવાના પાન, કોથમીર)

  • આદુ, લસણ, મરચાંની પેસ્ટ - ૨ ચમચી

  • લીંબુ - ૧ ચમચી

  • તેલ - ૩૦ ગ્રામ

  • મીઠું - સ્વાદઅનુસાર

  • સજાવટ માટેની સામગ્રી – તલ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક તાસ (કથરોટ)માં માતૃશક્તિ, પૂર્ણાશક્તિનો પાઉડર લઇ તેમાં જે ભાજી નાખવી હોય તેને પહેલા બે પાણીથી ધોઈને ઝીણી સમારીને નાખવી.

  • તેમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું, તલ અને જરૂર મુજબ પાણી લઇ કણક બાંધવી.

  • કણકમાંથી નાના લુવા કરીને પુડલા વણવા.

  • ગેસ ચાલુ કરીને તવી ગરમ કરી તેના પર પુડલા તેલ મુકીને શેકી લેવા.

૮. વેઢમી / પુરણપોળી

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ, પૂર્ણાશક્તિ - ૧ વાટકી

  • તુવર દાળ – ૫૦ ગ્રામ

  • ઘઉંનો લોટ - ૧/૨ વાટકી

  • ગોળ - ૮૦ ગ્રામ

  • एलચીનો ભૂકો – અડધી ચમચી

  • ઘી/તેલ – ૨૦ ગ્રામ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ કુકરમાં તુવેરદાળને બાફી લેવી.

  • એક તાસ (કથરોટ)માં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ પાઉડર લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને કણક બાંધવી.

  • ત્યાર બાદ ગેસ ચાલુ કરી એક કઢાઈ તપેલીમાં ૧ ચમચી ઘી નાખીને તેમાં બાફેલી તુવેરદાળ નાખવી.

  • તેમાં ઊપર સામગ્રીમાં આપેલ પ્રમાણ મુજબ ગોળને છીણીને નાખી તેનું ઘટ્ટ પુરણ બનાવી.

  • તેમાં ઇલાઇચી નાખી મિક્સ કરવું.

  • ઠંડુ થયા બાદ બાંધેલી કણકમાંથી રોટલી વણી વચ્ચે પુરણ ભરી હળવા હાથે વણીને તવી પર ઘી/તેલ લગાવી શેકી લેવી.

૯. ખજૂર શિંગના લાડુ

સામગ્રી:

  • તૈયારીનો સમય: ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ - ૧ વાટકી

  • ખજૂર - ૧૫૦ ગ્રામ

  • શિંગદાણાનો ભૂકો - ૫૦ ગ્રામ

  • એલાઈચી પાવડર – ૧/૨ ચમચી

  • ઘી - ૫૦ ગ્રામ

  • સજાવટ માટેની સામગ્રી - તલ, કોપરાનું છીણ

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ શિંગદાણાને તવી પર શેકીને તેના ફોતરા કાઢીને અધકચરા વાટી લેવા.

  • ખજુરના ઠળિયા કાઢીને તેના ઝીણાં ટુકડા કરી લેવા.

  • એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં ખજૂરના ટુકડા નાખી બરાબર મિક્સ કરવા.

  • ત્યાર બાદ તેમાં શિંગદાણાનો ભૂકો, માતૃશક્તિ/પૂર્ણાશક્તિનો પાઉડર નાખીને બરાબર મિક્સ કરવું.

  • મિક્સ થઇ ગયા બાદ તેમાં ઈલાયચીનો પાઉડર નાખી બરાબર મિક્સ કરી ગરમ ગરમ જ તેના લાડુ વાળી લેવા.

  • એક થાળીમાં તલ/કોપરાનું છીણ પાથરી તેમાં બનાવેલ લાડુને રગદોળવા.

૧૦. ઘૂઘરા

સામગ્રી:

  • તૈયારીનો સમય : ૧૫ મિનિટ

  • બનાવવાનો સમય : ૨૦ મિનિટ

  • માતૃશક્તિ / પૂર્ણાશક્તિ – ૧ વાટકી

  • ઘઉંનો લોટ - ૧ વાટકી

  • કોપરા (નાળિયેર) છીણ - ૫૦ ગ્રામ

  • તેલ મોઅણ માટે - ૨૦ ગ્રામ

  • તેલ - તળવા માટે

  • તલ – ૧ ચમચી

  • ખાંડ - સ્વાદ અનુસાર

વાનગી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી લઇ ગરમ કરી તેમાં માતૃશક્તિ/પૂર્ણાશક્તિ પાઉડર નાખી મિક્સ કરી થોડું ગરમ કરવું.

  • ત્યાર બાદ મિશ્રણ ઠંડુ થાય પછી તેમાં કોપરું, દળેલી ખાંડ નાખીને મિક્સ કરી પુરણ તૈયાર કરવું.

  • એક તાસ (કથરોટ)માં ઘઉંનો લોટ લઇ જરૂર મુજબ પાણી નાખી કણક બાંધવી.

  • તેની પૂરી વણીને તૈયાર કરેલું પુરણ ભરીને કાંગરી વાળી ઘૂઘરો બનાવવો.

  • એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરીને ઘૂઘરા તળી લેવા.


નિષ્કર્ષ: ટેક હોમ રેશન (THR) એ માત્ર એક રાશન નથી, પરંતુ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પોષણનું માધ્યમ છે. ઉપર દર્શાવેલ વાનગીઓ દ્વારા આપણે ઘરે જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર તૈયાર કરી શકીએ છીએ.

📥 (PDF) ડાઉનલોડ કરો

👉 અહીં ક્લિક કરીને PDF ડાઉનલોડ કરો



શું તમને આ માહિતી ઉપયોગી લાગી? આવી જ અઘરી માહિતીની સાવ સરળ સમજૂતી મેળવવા માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો અને અમારી YouTube ચેનલ DigiMitra AI ને સબસ્ક્રાઇબ કરો! 🚀🤖



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વ્હાલી દીકરી યોજના ૨૦૨૬: દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ માર્ગદર્શિકા | DigiMItra AI

RTE Admission 2026-27: ધોરણ-૧ માં મફત પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? (Step-by-Step Guide)